miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

ડુંગળી – The Hot and Happening!

Posted by વૈશાલી & કુલદીપ on ફેબ્રુવારી 25, 2011

ભલે અમારી જેવા ઘણા ડુંગળી / લસણ વગર નું જમણ જમતા હોય, પણ ડુંગળી કહો કે કહો પલાંડું, પ્યાજ, સુંકુદક, તીક્ષ્ણકંદ, કાંદો, ડૂંગળી, કૃષ્ણાવળી (wikipedia પ્રમાણે) કે પછી રેશમપત્તી … ડુંગળી વગર નું સામાન્ય જીવન ઘણું અઘરું થઇ પડે ! અને એમાય હાલ માં તો ડુંગળી નાં ભાવ ને લીધે ગુજરાત માં ડુંગળી most hot and happening કોમોડીટી છે ! પ્રસ્તુત છે Kundanben Sata તરફ થી ફોરવર્ડ થએલો એક સુંદર આર્ટીકલ.

Autobiography of ONION – ડુંગળીની આત્મકથા (Courtesy – Kundanben Sata)

ભગવાને પ્રસન્ન થઇને કહ્યું કે કલિકાલમાં જ્યારે ૨૦૧૧ની સાલ શરૂ થશે ત્યારે જે લોકો તને જમીન ઉપર રાખી મુક્કો મારીને તારો ભુક્કો બોલાવતા એ જ લોકો તને સોનાની જેમ ખરીદશે. હીરાની જેમ સાચવશે. કિનખાબની જેમ કાપશે અને સૂકામેવાની જેમ આરોગશે.

મારું નામ ડુંગળીબહેન ઉર્ફે કાંદાકુમારી છે. મને હિન્દીમાં પિયાઝબાનુ તથા અંગ્રેજીમાં મિસ ઓનિયન કહેવામાં આવે છે. જે રીતે રાધા અને કૃષ્ણ બંને પતિ-પત્ની નથી છતાં બંનેનાં નામ સાથે બોલાય છે તેમ હું લસણના બાબલાની બા નથી છતાં ડુંગળીલસણ સાથે બોલાય છે.

જેમ કળિયુગના નેતાના અનેક રંગ જોવા મળે છે તેમ હું પણ લીલો, લાલ, સફેદ અને વાદળી જેવા વિવિધ રંગોમાં દર્શન આપું છું અને આઇ.પી.એલ.ના ક્રિકેટરોની માફક નાની-મોટી સાઇઝમાં વેચાતી રહું છું. જે રીતે પ્રભુને હૃદયમાં પધરાવવા માટે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એમ ત્રણ માર્ગ છે તેમ પિયાઝને પેટમાં પધરાવવા માટે કાચી, બાફેલી અને વઘારેલી એમ ત્રણ માર્ગ છે.

મારા વગર માણસને ચાલે નહીં એવું નથી કારણ કે એકપણ જૈન મારા અભાવથી અરિહંતશરણ પામ્યો હોય કે એકપણ સ્વામિનારાયણ સત્સંગી મારા વિયોગે અક્ષરધામમાં ગયો હોય એવું થયું નથી પણ મારી એક વાત તો આખી દુનિયાને માનવી પડશે કે મારા અને લસણના આવવાથી ભોજનના સ્વાદમાં જબરો ફરક પડે છે અને અમારા બંનેમાં દુર્ગંધના અવગુણ સાથે સદગુણ પણ છે એમાં શંકા નથી.

જૂના જમાનામાં મારી કોઇ આબરૂ નહોતી. એનો અર્થ એવો નથી કે હું બદચલન હતી પણ કળિયુગમાં વ્યક્તિ કે વસ્તુના મૂલ્ય કરતાં એની કિંમતનું વધુ મહત્વ હોય છે અને મારી કોઇ કિંમત નહોતી. ભૂતકાળમાં કોઇ ખેડૂત મને ગાડામાં ભરીને જતો હોય અને કોઇ હંગરટચ એટલે કે ભૂખને અડી ગયેલો માણસ ખેડૂતની મંજૂરી વગર ચાલુ ગાડાએ મારા બે-ચાર નંગ બથાવી લે અને ખેડૂત જોઇ જાય તો ગાડું ઊભું રાખ્યા વગર એટલું જ કહેતો કે હે લુખ્ખેશકુમાર તું ડુંગળી તો ચોરી જાય છે પણ એને કોની સાથે ખાઇશ? કારણ કે જે ચાલુ ગાડે ડુંગળી-ચોરી કરે તેની પાસે રોટલાનો વેંત ન હોય એવી માન્યતા હતી, પરંતુ અત્યારે ગાડામાં ખુલ્લેઆમ ડુંગળી લઇ જવી એ જોખમ ગણાય અને ડુંગળીની ચોરી કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો ગણાય છે.

ભૂતકાળમાં મારી વેલ્યૂ ન હોવાથી મને વેલ્યૂએબલ વિચાર આવ્યો કે મારે ભગવાનને ફરિયાદ કરવી જોઇએ કે તું મુનીમમાં પણ ન ચાલે એવા માણસને મંત્રી બનાવી શકે અને ત્યારબાદ એ મંત્રી પાસે કરોડોનાં કૌભાંડ કરાવીને મંત્રીની બોતેર પેઢીને તારી શકે તો મારી ઉપર કૃપા કેમ કરતો નથી? પ્રધાનમાં તો અઢાર અવગુણો હોય છે જ્યારે પિયાઝમાં તો ગંધ સિવાય કોઇ અવગુણ નથી.

પછી મને વિચાર આવ્યો કે મારાથી પ્રભુના પગ સુધી પહોંચાશે નહીં કારણ કે ભક્તો ભગવાનને બધું ધરાવશે પણ ક્યારેય ડુંગળી ધરાવશે નહીં. ત્યાં મારા અંતરમાં અવાજ આવ્યો કે અહલ્યા કે શબરી ક્યાં મંદિર સુધી ગયાં હતાં? શ્રદ્ધા અને ભક્તિથી પલાંઠી વાળનારને મંદિર સુધી જવાની જરૂર નથી પરંતુ મોરારિ ખુદ સામે ચાલીને ભક્તની પલાંઠી સુધી પહોંચી જતો હોય છે.

હું અનેકની આંખમાં આંસુ લાવી છું પણ મારી આંખમાં આંસુ જોઇને આશુતોષ ઊભા થઇ ગયા અને મારી દુર્ગંધે દુર્ગંધે મારા સુધી પહોંચી ગયા. ભલે હું મંદિર સુધી પહોંચી ન શકી પણ મહામૂલા મંદિરમાં રહેનારો દેવ મારી ઝૂંપડીએ આવ્યો એટલે હું ભાવવિભોર બનીને પ્રભુના પગમાં પડી અને બોલી કે તમારા ચરણમાં સ્થાન મળે એવી એકપણ લાયકાત મારી અંદર નથી. ત્યારે મંદમંદ મુસ્કાઇને મોહન બોલ્યા કે હું એવું માનતો નથી, કારણ કે જગતમાં જે કાંઇ દેખાય છે તે જગદીશનું સર્જન છે અને સર્જકને મન પોતાનું દરેક સર્જન સરખું જ વહાલું હોય છે માટે હે ડુંગળી, હું તારા ઉપર પ્રસન્ન થયો છું-અત્યારે તું જે માગીશ તે હું તને આપીશ.

આ સાંભળીને મેં સજળ નયને શામિળયાને કહ્યું કે આપે જે પછાત હતા એમનો પણ ઉદ્ધાર કર્યો અને એમની લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે માટે કંદમૂળમાં પછાત મારા જેવી અબળાનો પણ ઉદ્ધાર કરો. ભગવાને તરત જ પ્રસન્ન થઇને કહ્યું કે કલિકાલમાં જ્યારે ૨૦૧૧ની સાલ શરૂ થશે ત્યારે તું ભલે કાયમ ડાઉન ટુ અર્થ જીવી હોય અને અન્ડર ધ અર્થ જન્મી હોય પણ તારો ભાવ આસમાનને અડકી જશે.

ભૂતકાળમાં લોકો તને જમીન ઉપર રાખી તને મુક્કો મારીને તારો ભુક્કો બોલાવતા એ જ લોકો તને સોનાની જેમ ખરીદશે. હીરાની જેમ સાચવશે. કિનખાબની જેમ કાપશે અને સૂકામેવાની જેમ આરોગશે. કળિયુગમાં નેતાઓ માટે એમ કહેવાશે કે ચૂંટણીમાં જે દારૂ પીવડાવે તે જીતે, પરંતુ ૨૦૧૧ પછી એમ કહેવાશે કે જે ડુંગળી ખવડાવે તે જીતે, તથાસ્તુ.

Advertisements

One Response to “ડુંગળી – The Hot and Happening!”

  1. it was a intresting article,
    thank you
    keep writing
    dr sudhir shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: